Friday, December 12, 2008

આધ્યાત્મિકતાની આવશ્યકતા

માણસ એવી શક્તિ મેળવે કે શોધ કરે જેના પ્રભાવથી એ આકાશમાં ઊડી શકે, બીજાના મનની વાત કરી શકે, દીર્ઘાંયુ બની શકે, સુખોપભોગનાં સઘળાં સાધનો વસાવી શકે, પ્રકૃતિનાં તત્વોને નાથી શકે, અને ભૂતભાવિના પડદાને હઠાવી શકે, તો પણ શું ? એ કદાચ સર્વ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનના સંગ્રહ જેવો બની જાય તો પણ શું ? ભૌતિકક્ષેત્રે એ બધી સિદ્ધિઓનું મહત્વ જરૂર મનાવાનું પરંતુ આત્મિકક્ષેત્રે માનવ જેને માટે તલસે છે એ બધું એથી એને ભાગ્યે જ મળવાનું. જે શાંતિ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ કે પૂર્ણતાને માટે એ ઝંખે છે એની સિદ્ધિ માટે તો એણે બીજી દિશામાં જ પ્રયાસ કરવો પડવાનો. એના વિના એ ઝંખના સફળ નહિ જ થઈ શકવાની.

જ્યાં સુધી માણસ પોતે સદગુણ, સદવિચાર ને સત્કર્મની મૂર્તિ નથી બન્યો અથવા એને માટેની કોશિશ પણ નથી કરતો; જ્યાં સુધી પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર કાબૂ કરવાનો પ્રયત્ન નથી કરતો; વિશાળ, ઉદાર, સેવાપરાયણ તથા સ્નેહમય નથી બનતો, અને સંસારની વિનાશીતા તેમજ વિષયોની ક્ષણભંગુરતાને સમજીને મનને તેમાંથી પાછું વાળીને અવિનાશી ઈશ્વરમાં નથી પરોવતો, ત્યાં સુધી એનું જીવન મંગલ નથી થઈ શકતું. અને એ બીજાનું મંગલ પણ નથી કરી શકતો.

આપણા અને બીજાના જીવનને સુખમય કરવા માટે આપણે આદર્શ માનવ થવાની તથા આ પૃથ્વી પર સ્નેહ, સંપ તેમજ સહકારથી આદર્શ રીતે જીવવાની જરૂર છે. એનું નામ જ ધર્મ. ધર્મ અથવા આધ્યાત્મિકતા એ મંગલમય કામમાં મદદરૂપ થાય છે માટે જ એની મહત્તા છે. અને એનો અનાદર કરનારે જાણવું જોઈએ કે, આજે એની આવશ્યકતા સૌથી વધારે છે - માનવધર્મની આવશ્યકતા. માનવની પાસે બીજું બધું હશે પરંતુ એના પોતાના સહજ ધર્મ જેવી માનવતા નહીં હોય તો એ બધું એને સંપૂર્ણ સૂખ-શાંતિ નહી આપી શકે અને સંસારને સ્વર્ગીય પણ નહીં કરી શકે.



(શ્રી યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)

No comments:

Post a Comment